કુદરત હસી ને ફૂલો ખીલ્યાં

કુદરત હસી ને ફૂલો ખીલ્યાં,

લહેર ધસી ને ફૂલો ખીલ્યાં.

સર્જનહારે કોઈ જાદુઈ છડી,

હવામાં ઘસી ને ફૂલો ખીલ્યાં.

વસંતે બાગે બાગે જવાની,

કમર કસી ને ફૂલો ખીલ્યાં.

સૂર્ય આડેથી રજનીની ચૂંદડી,

દૂર ખસી ને ફૂલો ખીલ્યાં.

ચારેકોર અથડાતી હવા,

કળીમાં ફસી ને ફૂલો ખીલ્યાં.

નાજુક-નમણી પરીની છબી,

નિજમાં વસી ને ફૂલો ખીલ્યાં.

સુગંધી બની મહાલવાની વાત,

મનમાં ઠસી ને ફૂલો ખીલ્યાં.

કોઈ અલૌકિક ખડિયાની,

ઢોળાઈ મસી ને ફૂલો ખીલ્યાં.

દુનિયાને ‘સાગર’ ગાંડી કરવા,

પકડી રસી ને ફૂલો ખીલ્યાં.

♣  ‘સાગર’ રામોલિયા ♣


Advertisements