મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે

Amba-Mataji copy

મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
અરજી અંતરની સ્વીકારો… સ્વીકારો રે.

શમણાનાં ફૂલડાંમાં સુરભિ ભરી દો,
આશાનાં દીવડામાં જ્યોતિ ભરી દો;
ચિતડાના ચોકને શણગારો… શણગારો રે,
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

આંખમાં રમે છે રૂમઝૂમ રજની રઢિયાળી,
હાથમાં હિલોળા લેતી ગરબાની તાળી;
ચરણોમાં તાક્ ધિના ધિન લયનો ધબકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

તનનાં તંબૂરે માડી નાદ થઈને આવો,
મૌનનો મધુરમ્… સાદ થઈ આવો;
અંતરમાં ગૂંજે તમારા જંતરના ઝણકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.

-રિષભ મહેતા

[સ્તોત્રઃ http://urmisaagar.com/saagar/?p=3358 ]

Advertisements