દિવાળીના દૈવી દિવસના દીવડા !

દિવાળીના દૈવી દિવસના દીવડા !

દેવળે દેવળે દેવતા દેખાય છે તેમ,
પ્રત્યેક ઘરમાં અને ઘરના પ્રાંગણમાં એમનો પ્રકાશ છે.
દિવાળીના દૈવી દિવસના દીવડા !
 


માનવની મહેલાતો મધુમયી અને પ્રભાભરી છે એ સાચું,
પરંતુ માનવના મનમાં પ્રકાશનાં પાવન કિરણ ક્યાં પડેલા છે ?


એના પ્રાણમાં પ્રજ્ઞાના પરમ પ્રદીપનો પ્રકાશ,
પ્રેમ, પ્રશાંતિનો પુલકિત પ્રકાશ, ક્યાં પથરાયો છે ?


એના અંતરના, અસ્તિત્વના, અણુએ અણુમાં અંધારું છે.
પીડા છે, વેદના છે, વિષાદ છે, ચિંતા છે, અવ્યવસ્થા, અશાંતિ, બેચેની છે.

એનો અંત ના આવે ત્યાં સુધી પ્રકાશ ક્યાંથી પ્રકટે,
પ્રસન્નતા કેવી રીતે આવે, અને એનાં કિરણ પણ આત્માને ક્યાંથી અડકે ?

પ્રાસાદ પર જ નહિ, પ્રત્યેક પ્રાણમાં ને પ્રકૃતિમાં, પૃથ્વી પર,
પ્રકાશને પ્રજ્વલિત કરનાર પ્રદીપ કરી દો,


મને એવો પ્રાણવાન પ્રદીપ કરી દો,

અને 

એવી રીતે દુનિયાને અને એમાં વસતાં દિલને કાયમની દિવાળી ધરી દો,

હે જ્યોતિર્મય !
જડતા હરીને જગતમાં નવું જીવન ભરી દો !

– શ્રી યોગેશ્વરજી

 

Advertisements