ગુલાબનું ફૂલ

આ ગુલાબ કેરું ફૂલ..

ખીલ્યું કેવુ કાંટામાંયે ? આનંદે મશગૂલ;
શોક કરે ના રડે, જરા ના, 
ઉડે છોને ધૂળ … આ ગુલાબ કેરું ફૂલ

હસી રહ્યું હૈયેથી કેવું ? કેવું થયું પ્રફુલ્લ?
ભમરાઓ ભેટે છે એને, 
એમાં ના કૈં ભૂલ … આ ગુલાબ કેરું ફૂલ

જોતાંવેંત જ આકર્ષી લે, એવું રૂપ અમૂલ;
મનને મોહિત કરે રંગથી, 
હોય ભલેને દૂર … આ ગુલાબ કેરું ફૂલ

વિકાસ કરિયે, હસી રહીએ, જેમ હસે આ ફૂલ;
હારીએ ના હિંમત, છોને 
ચોપાસે હો શૂળ … આ ગુલાબ કેરું ફૂલ

 – શ્રી યોગેશ્વરજી