રોજબરોજના વપરાશ માટે કયો લોટ સારો ?

રોજબરોજના વપરાશમાં જુદા જુદા લોટની રોટલી શરીર માટે ફાયદાકારક ગણાય છે. દરેક લોટમાં તેનાં પોષકતત્ત્વો જુદાં જુદાં હોય છે, પરંતુ કેલરી લગભગ દરેક અનાજની સરખી હોય છે. તો આજે આપણે લોટના ઉપયોગ વિશે થોડું જાણીએ..

ઘઉં

રોજબરોજના ખાવામાં ઘઉંનો લોટ વધુ વાપરવાનો આપણે ત્યાં રિવાજ છે. ઘઉં સહેલાઈથી મળતાં હોય છે અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ બને છે. આપણે ત્યાં હવે બ્રેડ, પાઉં, પીઝાની બ્રેડ વગેરે ઘઉંના લોટના મળવા લાગ્યા છે. બને ત્યાં સુધી પીઝા, પાસ્તા, બ્રેડ વગેરે મેંદાના લોટને બદલે ઘઉંના લોટમાંથી બનેલા વાપરવા જોઈએ. ખાસ કરીને હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઝીણા દળેલા લોટથી દૂર રહેવું જોઇએ.

બાજરી

બીજાં લોટ કરતાં બાજરીના લોટમાં ફાઇબર્સ ઘણાં ઓછા હોય છે. આપણે ત્યાં શિયાળામાં બાજરીનો લોટ ખાવાનો રિવાજ છે. બાજરીમાં ફાઇબર્સ ન હોવાના કારણે તેનાથી કબજિયાત થાય છે, ત્યારે બાજરી સાથે ભાજીનું શાક લેવાથી કબજિયાત ઓછી થાય છે અને એટલે આપણે ત્યાં લગભગ બાજરીના રોટલા સાથે ભાજીનું શાક ખાવાનો રિવાજ છે. વધુ પડતી બાજરી ખાવાથી મસાના દર્દીઓને તકલીફ થઈ શકે છે.

રાગી

રાગીનો લોટ સગર્ભા સ્ત્રીઓ, નાનાં બાળકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, કારણ કે તેમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. રાગીનો લોટ સાંધાના દુખાવાના દર્દીઓ માટે સારો છે, તેમાંથી ખીચું, રોટલી વગેરે બનાવી શકાય છે.

મકાઈ

તાજી મકાઈમાં આવતાં પોષકતત્ત્વો મકાઈના લોટમાં ઓછાં થઈ જાય છે. ખાસ તો તેમાંથી મોઇશ્ચર (પાણીનું પ્રમાણ) ઓછું થઈ જાય છે. મકાઈમાં કાર્બોહાઇડ્રેટસ વધુ અને ફાઇબર્સ ઓછા હોય છે એટલે કાયમ માટે મકાઈનો લોટ ખાવાથી વજન વધી શકે છે. મકાઈથી એનર્જી સારી મળે છે માટે આખો દિવસ મજૂરીનું કામ કરતાં લોકો માટે મકાઈનો લોટ સારો છે.

જુવાર

જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.

બેસન

બેસનમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ બન્ને વધુ હોય છે એટલે તેનો વપરાશ વધુ પડતો કરવો હિતાવહ નથી. ગુજરાતી વાનગીઓમાં બેસન વધુ વપરાય છે તેની બનાવટમાં તેલનો ઉપયોગ પણ વધુ હોય છે. જેમ કે, બેસનનું શાક, ગટ્ટાનું શાક વગેરે. તેમાં રેગ્યુલર શાકભાજી કરતાં વધુ કેલરી હોવાથી તેનો વધુ પડતો ઉપયોગ યોગ્ય નથી.

[ Source : http://www.sandesh.com/article.aspx?newsid=115333 ]

Advertisements