પ્રેમ ઝરમરતો વરસાદ..

પ્રેમ એ એક લાગણી છે જે સાશ્ર્વત છે.

આજે પરિવારમાં, સમાજમાં, પૂરા રાષ્ટ્રમાં તથા સમગ્ર વિશ્વમાં આ પ્યારી ધરતી ઉપર પરસ્પર પ્રેમની ખૂબ જરૂર છે. પ્રેમ દરેક જીવમાં છે.માનવજાતને જીતવા પ્રેમ જેવો વિકલ્પ નથી.

 રવિવારની પૂર્તિમાં “ સ્પાર્ક” કોલમમાં શ્રી વત્સલ વસાણીજીનો  લેખ  છે જે સૌને ગમશે .

Prem ea Varsad

જીવનના લાંબેરા પંથમાં પ્રેમ ન હોય તો અંધારુ છવાઈ જાય છે આગળની દિશા સૂઝતી નથી.

પ્રેમની નાનકડી જ્યોત જો જીવનમાં હોય તો એના સહારે લાંબામાં લાંબો પંથ પણ કપાઈ જાય છે. ડગલ ને પગલે પ્રેમ જ સાચી દિશા સૂચવે છે

– વસ્તુઓ ઓછી હોય તો વ્યક્તિ ચલાવી શકે છે પણ ધનના ઢગલા વચ્ચે ય એ પ્રેમ ન હોય તો જીવન મુરઝાવા લાગે છે.

જે ઘરમાં પ્રેમ નથી એ ઘર સૂનુંસૂનું, ઉત્સવહીન, ઉદાસ અને નિસ્તેજ બની જાય છે.

પ્રેમથી ભરેલા જીવનમા ફૂલ ખીલે છે. ઇન્દ્રધનુષી રંગોથી જીવનનો આખો ઉદ્યાન છવાઈ જાય છે. એમાં પક્ષીઓનો કલરવ, મોરનો ટહુકાર અને કોયલની કૂહૂ… કૂંહુ..નો નાદ ગુંજવા લાગે છે.

નકાર વ્યક્તિને બધેથી તોડે છે જ્યારે હકાર  હરકોઈ જગ્યાએથી જોડવાનું જ કામ કરી શકે.

 પ્રેમ જો સાચો હોય તો જીવનમાં સાર્થકતા અને સભરતાનો અહેસાસ આપે છે.

આવી સ્થિતિમાં મળેલા જીવન માટે પરમાત્મા પ્રત્યે ધન્યવાદનો ભાવ જાગે છે. જે કંઈ મળ્યું એ મારી લાયકાત કરતા પણ વઘુ અને હૃદયને અહોભાવથી ભરી દે એવું છે.

આવા સુંદર, રસભર્યા અને આનંદપૂર્ણ જીવન માટે પરમાત્મા પ્રત્યેના અનુગ્રહનો ભાવ પ્રગટે એ સ્વાભાવિક છે.

પણ આજે જ્યાં જુઓ ત્યાં લોકો થાકેલા- પાકેલા, ઉદાસ અને નકારાત્મક મનોવલણ ધરાવતા થઈ ગયા છે.

આવું થવાનું કારણ શું ? જીવનમાં એવું તે શું ઘટે છે જે માણસને અંદરથી ખોતરી સતત ખાલીપાનો અનુભવ આપતું રહે છે ?

ઓશો કહે છે ઃ અંતર્મુખી દ્રષ્ટિ અને આત્મીય સંબંધોનો અભાવ વ્યક્તિને આવા

ખાલીપણાનો અનુભવ આપતું એક મહત્ત્વનું કારણ છે.

 જીવનથી કંટાળી જો નિરાશ ન થવું હોય તો આજથી જ હૃદયમાં નિરપેક્ષ પ્રેમ, વિધાયક મનોવલણ અને આસ્થાનાં બીજ રોપી દો.

બીજા બીજ તો વાવ્યા પછી ઘણા લાંબા સમયે ફળ આપે છે જ્યારે આ બીજ વાવતાની સાથે જ ફળ, ફૂલ અને સુગંધથી આપણા જીવનને ભરી દેશે.

[સ્તોત્ર ઃ ગુજરાત સમાચાર ]

મુલાકાત

રાહ જોઇ છે તારા આગમનની મારી આંખોએ,

મુજ જીવનમાં પ્રેમ ઝરણું બનીને આવ્યો,

કાલ સવારનો સૂરજ એક અનોખી યાદ લઇને આવશે.

મહિનાઓથી રાહ જોઇ’તી મેં, એ સપનું લઇને આવશે,

મિલનની ક્ષણોની રાહ જોવાનો સમય પૂરો થયો.

કેટલી તડપતી હતી તારી આ મુલાકાત માટે. !!

તારા આગમનનો દિલ ઇંતઝાર કરે, 

મળીશ ત્યારે પૂછીશ, ‘તું આટલો દૂર રહે કેમ મુજથી?’

માહી પટેલ, પોરબંદર

પ્રિયા

Priya

મેં તારામાં ખુદને જોયો,
છે મારામાં પ્રિયા પૂરી તું.

મેં ફૂલમાં રંગ પૂર્યા,
છે ફૂલની સુગંધીનો દરિયો તું.

મેં આકાશમાં તારલાં ગણ્યાં,
છે આકાશનો ઝગમગતો ચાંદો તું.

મેં રંગોળીની ભાત દોરી,
છે રંગોળીના આકારનું સૌન્દર્ય તું.

મેં જીવનયાત્રામાં સાથ માંગ્યો,
છે જીવનના ઉલ્લાસનું જોમ તું.

મેં શબ્દોમાં અલંકાર પરોવ્યા,
છે શબ્દોના રેલાતા સૂર તું.

મેં કવિતામાં સંગીની શોધી,
છે કવિતાની પ્રેરણા મૂર્તિ તું.

મેં ક્રાંતિની મશાલ પ્રગટાવી,
છે ક્રાંતિની પાવક જ્વાળા તું.

મેં કૃષ્ણની વેણુ છંછેડી,
છે કૃષ્ણની રાધા મોહિની તું.

મેં ‘મા’ની પરાભક્તિ જગાવી,
છે ‘મા’ના દિવ્ય આશિષ તું.

જોડી – ચિરાગ પટેલ