સંક્રાંતિ ની શુભેચ્છાઓ

 

આજે તો ઉતરાયણ છે

અને દરેકની અગાસી પરથી આજે તો એક જ અવાજ સંભળાશે કાપ્યો છે .. લપેટ.

 નાના મોટા સૌ આજે તો અગાસી પર જોવા મળશે.

આજના દિવસે ગુજરાતનો રંગ કંઈક અનોખો જ હોય છે.

 આકાશમાં રંગબેરંગી સુંદર નાના મોટા અને ભાત ભાતના  પતંગો જોવા મળશે.

 આખું આકાશે આજે તો જાણે રંગબેરંગી ચુંદડી ઓઢી હોય તેવું લાગે છે.

 સવારે પાંચ વાગ્યાથી જ દરેકની અગાસી પર ખુબ જ જોરશોરથી લાઉડ સ્પીકર વાગવાના ચાલુ થઈ જાય છે.

બાળકોથી લઈને મોટાઓ દરેક અગાસી પર જોવા મળે છે. અરે સવારે ચા-પાણીથી લઈને રાત્રીનું ભોજન સુદ્ધાં પણ પતંગ રસિયાઓ તો અગાસી પર જ કરે છે.

ગૃહીણીઓની તો વાત જ ન પુછો. તે તો બે ત્રણ દિવસ પહેલાંથી જ આ તહેવારની તૈયારીમાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે જાત જાતની અને ભાત ભાતની ચીકી બનાવે છે. સીંગની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, ઉંધીયું, જલેબી અને અનેક પ્રકારના નાસ્તા. અરે બસ બસ હવે તો મોઢામાં પાણી આવી ગયું….

અરે બાળકોની ઉમંગનો ઉમળતો તો પુછશો જ નહિ. ભલેને ભાઈ આપણને પતંગ ચગાવતાં આવડે કે નહિ, પરંતુ આપણે તો અગાસી પર આમથી તેમ દોડવાના જ અને પતંગ પણ લુંટવાના. બીજાના લુંટેલા પતંગ અને દોરીની મજા કંઈક અલગ જ હોય છે

 યુવાનો તો આજના દિવસની એક પણ પળને વિસરવા માંગતા નથી.

 ખરેખર આજનો તહેવાર ગુજરાતના નાના-મોટા અને વયોવૃદ્ધ સૌને યુવાન બનાવીને તેમનામાં એક અલગ જ પ્રકારની મસ્તી અને ઉમળકો ભરી દે છે.

પારૂલ ચૌધરી

મકરસંક્રાંતિની શુભકામના

ભારત ઉત્સવોનો દેશ છે. વર્ષની શરૂઆતમાં જ ૧૪ જાન્યુઆરીએ સૌ પ્રથમ તહેવાર આવે છે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. આધુનિક સમયમાં વિમાન, રોકેટ અને અવકાશયાનો બ્રહ્માંડની સફર કરી આવે છે, પણ આપણા હાથે પતંગ ચગાવીને આકાશમાં મોકલવાની મજા કંઈક જુદી છે.